સેન્સેક્સ

                                     લે  . કેતન મોટલા "રઘુવંશી"




‘નીરવ, શી વાત છે? આજે તમે કંઇ ચિંતામાં લાગો છો? કંઇ પ્રોબ્લેમ છે?’

‘ના, જાનુ ડાર્લિંગ, એવું કંઇ નથી.’ નીરવે જાનકીને કહેતાં તો કહી દીધું કે કંઇ નથી, પણ પ્રોબ્લેમ તો છે જ. કોને કહેવું? શું કહેવું?ના વિચારોમાં નીરવનું મન મૂંઝાઇ રહ્યું હતું. પપ્પાને વાત કરું તો? ના, પપ્પા તો હાર્ટપેશન્ટ છે. એમને કંઇ ન કહેવાય. વળી, પપ્પાને કંઇ થાય તો તકલીફમાં મૂકાઇ જઇએ.

‘હલ્લો... નીરવશેઠ, હું ઇરફાનભાઇ બોલું છું. શું થયું પૈસાનું? મારે કાલે તો પૈસા જોઇએ જ. શું સમજ્યા?’ ‘હલ્લો ઇરફાનભાઇ, મને અઠવાડિયાની મુદત આપો. હું કંઇક કરી દઇશ...’

‘ના, હવે બહાનાંબાજી નહીં ચલાવી લઉ. છેલ્લા દોઢ મહિનાથી તું આજકાલ આજકાલ કરે છે. મારે ભૂપસંગ બાપુને શું જવાબ આપવો? મારે કાલે રાતે બાર વાગ્યા સુધીમાં પૈસા જોશે. બસ, બીજું કંઇ મારે સાંભળવું નથી.’ આટલું કહીને ફોન કટ થઇ ગયો.

પિતાની કરિયાણાની દુકાનમાં નીરવને પહેલાંથી જ કંઇ રુચિ નહોતી. તેને તો ખૂબ પૈસાદાર થવું હતું. દિવસ-રાત પૈસા કમાવાનાં સપનાં જોતો. પોતાના કોલેજના મિત્ર અજય જેવા પૈસાદાર થવું હતું.

અજય એક ઉદ્યોગપતિનો પુત્ર હતો. બ્રાન્ડેડ કપડાં, વિદેશી પરફયૂમ, ગોગલ્સ અને ન્યૂ બ્રાન્ડ એસી કારથી નીરવ અંજાઇ ગયો અને રાતોરાત લખપતિ થવાના કીમિયા શોધવા લાગ્યો.

‘નીરવ, મેં સાંભળ્યું કે તમે શેરબજારમાં રમો છો?’

‘હા, જાનુ...’

‘પણ એ તો જુગાર કહેવાય ને?’ જાનકીએ પૂછ્યું.

‘ના, આજે તો મોટા મોટા બિઝનેસમેન બજારમાં પોતાના નાણાં રોકે છે. એમાં કશું જ ખોટું નથી.’

‘પણ મને બહુ ડર લાગે છે.’

‘અરે! એમાં ડરવાનું શું હોય? કંઇ નહીં થાય.’

અને ખરેખર થયું એવું જ. ડિસેમ્બર મહિનો શેરબજાર માટે ગોઝારો સાબિત થયો. તેજીમાં બાવીસ હજારે પહોંચેલો સેન્સેક્સ વીસ-પંદર-બાર-દસ કરતો સાડા સાત હજારે પહોંચી ગયો. મોટા મોટા શેરદલાલો અને રોકાણકારોના હાથ દાઝ્યા, તો પછી નીરવ કેમ બાકી રહે?

નીરવ સવારે મમ્મીને પગે લાગીને લાગણીવશ ભેટી પડ્યો. એની આંખમાંથી આંસુના ટીપાં રોકી ન શક્યો, પણ ઝડપથી સ્વસ્થ થઇ જાતને સંભાળી લીધી. ‘મમ્મી, આજે મારા ફ્રેન્ડ અજયનો બર્થડે હોવાથી તેની પાર્ટીની બધી તૈયારી મારે કરવાની છે. જાનકી, હું તને રાતે સાડા દસે લેવા આવીશ, તૈયાર રહેજે.’

કહી હોલમાં બેઠેલા પિતાને પગે લાગી ચાલતો થયો. આજે નીરવ કંઇ પણ ફાઇનલ કરવા માગતો હતો, પરંતુ રાતના બાર વાગ્યા સુધીમાં આટલી મોટી રકમ લાવવી ક્યાંથી? તરત જ અજયના પિતા વિનયઅંકલને વાત કરવાનું નક્કી કરી સીધો તેમના બંગલે પહોંચી ગયો. અંકલ ઘરે જ હતા.

‘આવ નીરવ બેટા, કેમ છે?’

‘મજામાં છું, અંકલ...’

‘ના, મને તું આજે કેમ ઉદાસ લાગે છે? કંઇ તકલીફ હોય તો કહે...’

નીરવને પોતાની વાત કહેવાની તક મળતા કહ્યું, ‘હા અંકલ, બહુ મોટી મુશ્કેલીમાં ફસાયો છું...’

‘મુશ્કેલી? શી મુશ્કેલી?’

‘શેરબજારમાં મેં મોટી રકમ ગુમાવી છે, અંકલ..’

‘કેટલી?’ તેમણે પૂછ્યું.

‘ચાલીસ લાખ...’ નીરવે જવાબ આપ્યો.

‘અરે! બાપ રે, ચાલીસ લાખ?’

‘હા...અંકલ... તમે કંઇ મદદ કરો તો?’

‘જો બેટા, તને ખબર છે ને કે હમણાં કેવી મંદી ચાલે છે અને મારા પણ પાંચ-સાત લાખ ગયા છે શેરબજારમાં. હા, લાખ-બે લાખની વ્યવસ્થા કરી દઉ પણ...’

રાત્રે અજયની પાર્ટી પતાવી નીરવ અને જાનકી ઘરે જવા રિક્ષામાં બેઠાં. એટલામાં નીરવનો સેલફોન રણક્યો... ‘હલ્લો ઇરફાનભાઇ, હમણાં આવું છું.’ કહી એણે ફોન કટ કરી નાખ્યો, ‘જાનુ, તું ઘરે જા. હું હમણાં અડધા કલાકમાં આવું છું.’

‘ઓ.કે. જલ્દી આવજે...’ જાનકી બોલી.

વહેલી સવારે ચાર વાગ્યે પ્રભુદાસના ઘરે ટેલિફોનની રિંગ રણકી.

‘હલ્લો...’

‘હલ્લો, કોણ પ્રભુદાસ શેઠ બોલો છો?’ કોઇએ પૂછ્યું.

‘હા જી, આપ કોણ?’

‘હું રેલવે પોલીસ વિભાગમાંથી બોલું છું. કાલે રાત્રે રેલવે ટ્રેક પરથી અજાણ્યા પુરુષની લાશ મળી છે, તેના કોટના ખિસ્સામાંથી તમારું કાર્ડ મળ્યું છે...’

જાનકી સહિત આખું કુટુંબ રેલવે સ્ટેશને દોડી ગયું. લાકડાની બેન્ચ પર સફેદ કપડું ઓઢાડેલી લાશ પડી છે. રેલવે પોલીસના અધિકારીએ લાશ પરનું કપડું હટાવ્યું. લાશના ચહેરાનો ભાગ છુંદાઇ જવાથી ઓળખવામાં તકલીફ પડી, પણ જાનકી કાળા પેન્ટ અને લાલ કોટ પરથી લાશને ઓળખી ‘નીરવ...’

ચીસ પાડી અર્ધબેભાન જેવી થઇ ગઇ. રેલવે પોલીસે પ્રભુદાસને કોટમાંથી મળેલી બે ચિઠ્ઠીઓ આપી...

‘પૂજ્ય પિતાશ્રી, મને માફ કરશો. તમે સોંપેલી જવાબદારી નિભાવવામાં હું નિષ્ફળ ગયો છું. જલ્દી પૈસાદાર થવાની લ્હાયમાં મોટું દેવું કરી બેઠો. હવે મારાથી જીવી શકાય એમ ન હોવાથી આ પગલું ભરી રહ્યો છું. મમ્મીને સંભાળશો. સાથે પોલીસને વિનંતી કે આ બનાવ પાછળ મારા સિવાય કોઇ જવાબદાર નથી માટે મારા પરિવારને પરેશાન કરશો નહીં.
લિ.
નીરવના પ્રણામ’

‘ડીયર જાનુ,
હજી ત્રણ મહિના પહેલાં તો આપણે સાત જન્મ સાથે રહેવાના વચને બંધાયાં હતાં, પણ તારા અરમાનો પૂરાં ન કરી શક્યો. હું તારો ગુનેગાર છું. બની શકે તો મને માફ કરજે.
લિ.
તારો નીરવ’

પ્રભુદાસ શેઠે પોતાની તમામ મિલકત વેચી નાખી ચાલીસ લાખનું દેવું ભર્યું. નીરવના આપઘાતની ઘટનાને બે વર્ષ થવા છતાં પ્રભુદાસને કુટુંબનિર્વાહ કરવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો.

એક દિવસ... ‘શેઠ, તમારા દીકરાને બસસ્ટેન્ડ પાસે મેં જોયો છે...’ ગોવિંદ મોચીએ સમાચાર આપ્યાં.

‘શું વાત કરો છો? ક્યારે?’

‘હમણાં કલાક પહેલાં...’

લઘર-વઘર કપડાં, બે વર્ષના વધેલા વાળ-દાઢી, કાળો મસ જેવો ચહેરો, ખભે ફાટેલો બગલથેલો, બસસ્ટેન્ડની દીવાલ પાસેની મૂતરડી પાસે બેસી પસ્તીના ટુકડા કરવાની ચેષ્ટા કરે...‘હું હમણાં આવું છું’, ‘હું હમણાં આવું છું...’નું રટણ કરતો શખ્સ પહેલી નજરે ઓળખી ન શકાય, પરંતુ એક પિતાની નજર પોતાના લાડકા દીકરાને ઓળખી ગઇ.

સારામાં સારી ટ્રીટમેન્ટ મેળવી છ મહિનામાં તો નીરવ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો. રાત્રે અજય અને તેના પિતા નીરવને મળવા આવ્યા. ‘બેટા નીરવ, મને એક વાત ન સમજાઇ. તે રાત્રે રેલવેટ્રેક પરથી મળેલી લાશ કોની હશે?’ વિનયઅંકલે પૂછ્યું.

‘અંકલ, તે રાત્રે પાર્ટી પૂરી કરી ઘરે જતા હતા અને ઇરફાનભાઇનો ફોન આવ્યો. હું પૈસાના ટેન્શનમાં આત્મહત્યા કરવાના ઇરાદે રેલવેસ્ટેશન તરફ ચાલ્યો ગયો, પરંતુ મગજ પર વધુ પડતા દબાણને કારણે પાગલ જેવો થઇ ગયો.

બિહાર જતી ટ્રેનમાં બેસી જઇ ક્રોધમાં મારો કોટ અને મોબાઇલ પ્લેટફોર્મ પર ફેંકી દીધા. એ કોટ કોઇએ પહેરી લીધો હશે અને...’ નીરવે જવાબ આપ્યો.

‘પ્રભુદાસભાઇ, કુદરતે તમારા પરિવારની ખરી કસોટી કરી, પણ દુ:ખ પછી સુખ આવે એમ તમને તમારો દીકરો પાછો મળી ગયો એથી વિશેષ સારી વાત બીજી કઇ હોઇ શકે?’ વિનયભાઇ હસતા હસતા બોલ્યા.

ફરી સેન્સેક્સ ઊચકાયો. પ્રભુદાસભાઇના લોકરમાં કાગળિયાં બની પડી રહેલા શેરની કિંમત લાખોની થઇ. ફરી પ્રભુદાસભાઇને પ્રતિષ્ઠા મળી, મકાન મળ્યું, દુકાન મળી. ફરી સરયુબહેનને પોતાના દીકરા-વહુ મળ્યાં અને જાનકીને નીરવ મળ્યો.

No comments

Powered by Blogger.